બનાસકાંઠા: શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનું આગવું મહત્વ છે. ફક્ત ગુજરાતમાંથી જ નહીં, પરંતુ દેશભરમાં ભરાતા મોટા મેળાઓમાં અંબાજી ખાતે ભરાતા ભાદરવી પૂનમના મેળાની ગણના થાય છે. આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ અંબા માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. પગપાળા યાત્રિકો અને સંઘો વધુ પ્રમાણમાં આવતા અંબાજી ખાતે આવે છે, તેથી અંબાજીને જોડતા માર્ગ પર માનવ મહેરામણ ઊમટી પડે છે. અંબાજી વિસ્તારની અરવલ્લીની ગિરિમાળાઓમાં “બોલ મારી અંબે જય અંબે”ના નાદથી ગુંજી ઊઠે છે. અનેક સેવા કેમ્પ અનેક રીતે પદયાત્રીઓની સેવા કરતા હોય છે.
16 વર્ષથી કાર્યરત છે જય જલીયાણ સેવા કેમ્પ
છેલ્લા 16 વર્ષથી અંબાજી જતાં પદયાત્રિકોની સેવા માટે દાંતા નજીક રતનપુર ખાતે બનાસ દૂધ શીત કેન્દ્રની સામે વિશાળ જય જલીયાણ સેવા કેમ્પ યોજવામાં આવે છે. આ સંસ્થાના સેવાભાવી યુવકો દ્વારા પદયાત્રીઓની સેવા માટે 40 હજાર ફૂટ જેટલો વિશાળ સામિયાણો બનાવવામાં આવે છે.
યાત્રિકોને કેમ્પમાં મળે છે અનેક સુવિધાઓ
અંબાજી મંદિર ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં આવતા પદયાત્રીઓ માટે આ સેવા કેમ્પ દ્વારા પદ યાત્રિકોને શુદ્ધ ઘીની બુંદી સાથે ભોજન, આરામ કરવાની ઉત્તમ સુવિધા અને મેડિકલની ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, પદયાત્રિકોનો થાક ઉતરી જાય, તે માટે લાઇવ ઓરકેસ્ટ્રા પાર્ટી સાથે દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ખ્યાતનામ કલાકારોની ઉપસ્થિતિમાં યોજવામાં આવે છે.
આ વખતે 35થી 40 લાખ પદયાત્રિકોનો અંદાજ
માડીના ભક્ત અને સેવાભાવી હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું કે, લાખો માઈ ભક્તો અંબાજી પહોંચ્યા છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.આ વર્ષે કુદરતે પણ ચોમેર પોતાનું કુદરતી સૌંદર્ય વેર્યું છે, ત્યારે અંબાજી જતા માર્ગો પર માઈ ભક્તોની ભીડ ઊમટવા લાગી છે. આ વર્ષે દર વર્ષે કરતાં વધારે ભક્તો અંબાજી પહોંચશે. આ વર્ષે 35થી 40 લાખ પદયાત્રિકો અંબાજી આવવાનો અંદાજ છે.
કેમ્પમાં 250થી વધુ કાર્યકર્તાઓ આપી રહ્યા છે સેવા
જય જલીયાણ સેવા કેમ્પમાં દરરોજ 50 થી 60 હજાર પદયાત્રિકો ભોજન પ્રસાદ અને અન્ય સેવા લાભ લે છે, સેવા કેમ્પમાં 250 વધુ કાર્યકર્તાઓ સેવાઓ આપી રહ્યા છે અને ‘જન સેવા એ પ્રભુ સેવા’નું સૂત્ર સાર્થક કરી રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર