મહેન્દ્ર અગ્રવાલ, અંબાજીઃ ગુજરાતના કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને આંકલાવના કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ પોતાના જન્મદિવસની ઉજવણી શક્તિપીઠ અંબાજી ધામમાં કરી હતી. તેટલું જ નહીં સાથે પાંચ જેટલી વિવિધ 52 ગજની ધજાઓ સાથે અંબાજી મંદિરના શિખરે ધ્વજારોહણ કર્યું હતું. અંબાજીની ભગવતી વાટિકામાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિહ સોલંકી, પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અનેક દિગ્ગજ નેતાઓ સહિત ધારાસભ્યો અને પૂર્વ સાંસદો ઉપસ્થિત રહી અને ધજાની પૂજન વિધિ કરવામાં આવી હતી.
ધજાની પૂજનવિધિ કર્યા બાદ પગપાળા યાત્રા સાથે મોટી સંખ્યામાં દિગ્ગજ નેતાઓ સહિત અનેક હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ અંબાજી મંદિરે ધજા રોહણ કરવા પહોંચ્યા હતા. જ્યાં અંબાજી મંદિરમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય ચાવડાએ મંદિરમાં કપૂર આરતી કરી હતી અને સાથે માતાજીને ધજા પણ અર્પણ કરી હતી. ત્યારબાદ મંદિરના શિખરે અમિત ચાવડાએ ધજા રોહણ કર્યું હતું અને ચાચર ચોકમાં લગભગ 101 કિલો જેટલો મોહનથાળનો પ્રસાદ પણ યાત્રિકોને આપ્યો હતો.
આ પણ વાંચોઃ
‘પોલીસે ખોટો દંડ કર્યો…’ નિયમભંગના આવા બહાના સામે જોરદાર આયોજનઃ IPS સફીન હસન
ઉલ્લેખનીય છે કે, અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાવવામાં આવ્યો હતો અને તેનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવ્યો હતો. જેને લઈને અમિત ચાવડાને મોહનથાળનો પ્રસાદ ચાચર ચોકમાં વેચવાની ઈચ્છા હતી જે આજે પરિપૂર્ણ કરી હતી. આજે આ કાર્યક્રમ દરમિયાન દાંતા મતવિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈને પણ ગોળ સાથે તોલવામાં આવ્યા હતા. અંબાજીમાં પહોંચેલા દિગ્ગજ નેતાઓએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે, ‘અંબાજી મંદિરમાં ધ્વજારોહણ કરીને ગુજરાત સહિત દેશભરમાંથી અને સમૃદ્ધિ વચ્ચે સાથે દેશ બચાવવા, બંધારણ બચાવવા માટે અને જે લોકોના અધિકારો છે તે બચાવવા માટે લડાઈ લડવા માતાજી પાસે શક્તિ માગી છે. હાલ દેશમાં અંગ્રેજો જેવું શાસન ચાલી રહ્યું છે અને જે રીતે લોકશાહી બચાવવાના પૂરતા પ્રયાસો કરીશું.’
News18ગુજરાતી
આ પ્રસંગ આગામી 2024ની લોકસભા ચૂંટણીનું શક્તિ પ્રદર્શન હોય તેવું લાગી રહ્યું હતું. ખાસ કરીને તેને લઈ બનાસકાંઠા ખેડા જિલ્લા સહિતની ગુજરાતમાં 75 જેટલી નગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે. તેમાં મજબૂત કરી અને જીત હાંસલ કરવાની સાથે 24માં લોકસભાના પરિણામો ઉજ્જવળ મળે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.
હાલના સમયમાં બનાસકાંઠા જિલ્લામાં ગ્રીન હાઉસની યોજનામાં ગેરરીતિ ચાલી રહી છે, તે અંગે વાત કરતા જણાવ્યુ હતુ કે, ‘આ ગેરરીતિઓ માત્ર બનાસકાંઠામાં જ નહીં પણ અન્ય જગ્યાએ પણ થાય છે. તેની તપાસ રાજ્યભરમાં થવી જોઈએ અને જે પણ લોકો સંડોવાયેલા હોય તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.’
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કોંગ્રેસ સમિતિના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યુ હતુ કે, ‘અંબાજીમાં આ પ્રસંગે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, કાર્યક્રમો બનાવાશે, પદયાત્રા યાત્રા યોજાશે અને સાથે રોડ ઉપર કોંગ્રેસ ઉતરશે. તેમાં જેલ ભરો જેવા આંદોલન કરવા સાથે મોંઘવારી અને ખેડૂતોની જે પરેશાની છે તેના પ્રશ્નો ઉપાડવામાં આવશે.’
ખાસ કરીને તેમને જણાવ્યુ હતુ કે, હાલ તબક્કે જે રીતે લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે તે જોતાં આગામી સમયમાં મે મહિનામાં કોંગ્રેસ સમિતિ રોડ ઉપર આવશે અને પોતાના સંગઠનો મજબૂત કરવા અને આયોજનો કરશે. આમ કુલ મિલાવીને આ સમગ્ર કાર્યક્રમ જોતા 2024માં આવનારી વિધાનસભાની ચૂંટણીઓના ભાગરૂપે આ કાર્યક્રમ બનાવાયો હોય તેવું લાગી રહ્યું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર